સુરત શહેરમાંથી છેતરપિંડીના અનેક કિસ્સાઓ રોજેરોજ સામે આવે છે, પરંતુ કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો આ તાજેતરનો કિસ્સો સોશિયલ મીડિયા અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જીએસટી (GST) ચોરી અને કરવેરાના કાયદાઓનું સખત પાલન કરાવતા કતારગામના એક મહિલા જીએસટી ઇન્સ્પેક્ટર ખુદ એક શાતિર ઠગના ઝાંસામાં આવી ગયા છે અને તેમણે પોતાની જિંદગીની મોટી મૂડી સમાન લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.


પીજી (PG) બિઝનેસની જાળ બિછાવી વિશ્વાસ કેળવ્યો

પોલીસ એફઆઈઆર (FIR) માં દર્શાવેલી વિગતો મુજબ, આરોપીએ ખૂબ જ સાયકોલોજિકલ પ્લાનિંગ સાથે મહિલા અધિકારીનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં આરોપીએ વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે પેઇંગ ગેસ્ટ (PG) હોસ્ટેલ શરૂ કરવાના આયોજનની વાત કરી હતી. આ બિઝનેસમાં જો મહિલા ઇન્સ્પેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કરે, તો તેમને દર મહિને વ્યાજ અને નફાનો મોટો હિસ્સો મળશે તેવી આકર્ષક સ્કીમ બતાવી હતી. આ લાલચમાં આવીને મહિલા અધિકારીએ આરોપી પર ભરોસો મૂકી દીધો હતો.

જીપીએસસી (GPSC) પાસ કરાવવાના નામે ખંડણી જેવી ઉઘરાણી

એકવાર વિશ્વાસ કેળવાઈ ગયા બાદ આરોપીએ મહિલા અધિકારીની સરકારી કરિયરની મહત્વકાંક્ષાનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તેની ઉચ્ચ સ્તરે મોટી વગ છે અને તે જીપીએસસી (GPSC) ની વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાઓ સેટિંગ દ્વારા પાસ કરાવીને તેનાથી પણ મોટો સરકારી હોદ્દો અપાવી શકે છે. બિઝનેસ અને જીપીએસસી સેટિંગના નામે આરોપીએ કટકે-કટકે કરીને મહિલા જીએસટી ઇન્સ્પેક્ટર પાસેથી કુલ રૂપિયા 37,00,000 (સડત્રીસ લાખ) ની માતબર રકમ પડાવી લીધી હતી.

નાણાં પરત માંગવા દબાણ કર્યું

લાંબો સમય વીતી જવા છતાં ન તો પીજી હોસ્ટેલનો કોઈ નફો મળ્યો કે ન તો જીપીએસસી પરીક્ષા અંગે કોઈ પ્રક્રિયા થઈ. મહિલા અધિકારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે નાણાં પરત માંગવા દબાણ કર્યું હતું. આથી આરોપીએ ગભરાઈને કુલ રકમમાંથી રૂપિયા 10,20,000 (દસ લાખ વીસ હજાર) પરત ચૂકવી દીધા હતા. જો કે, બાકી નીકળતા રૂપિયા 26,80,000 (છવ્વીસ લાખ એંસી હજાર) આપવાનો સાફ ઇનકાર કરી ફોન બંધ કરી દીધો હતો. કતારગામ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાની અને તેના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાની કાનૂની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: ડોલરના નામે સુરતના વેપારીઓ સાથે 8.03 લાખની છેતરપિંડી, પાવાગઢના જંગલ વિસ્તારમાં આચરાઈ લૂંટ

  • Follow us on: