સુરત શહેરમાં તાપી નદી પર અડાજણથી અઠવા ચોપાટી વચ્ચે શહેરનો પહેલો ભવ્ય મેટ્રો બ્રિજ બનીને સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે.પેરિસના રિવરફ્રન્ટ બ્રિજ જેવો અદભુત નજારો આપતો આ નવો મેટ્રો બ્રિજ કરોડોના તાપી રિવરફ્રન્ટ પરથી પસાર થશે.આ મેટ્રોથી અડાજણ,પાલ અને રાંદેરના મુસાફરો ટ્રાફિક વિના સીધા અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશને પહોંચી શકશે. તાપી નદી પર નિર્માણ પામેલા આ વિશિષ્ટ મેટ્રો બ્રિજની ઇજનેરી ડિઝાઇન ખૂબ જ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે.વર્ષ 2006માં સુરતમાં આવેલા પૂરના તમામ ડેટાને ઝીણવટપૂર્વક ધ્યાને રાખી નદીના કુદરતી જળપ્રવાહ અને વહેણમાં ભવિષ્યમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે ખાસ કાળજી રાખવામાં આવી છે.
મેટ્રો ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે
આ માટે નદીના પટમાં 50 મીટર લંબાઈ ધરાવતા 8 વિશાળ સ્પાન મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત,આ બ્રિજ નદીના હાઈ ફ્લડ લેવલ એટલે કે એચએફએલથી પણ 7 મીટર ઊંચો રાખવામાં આવ્યો છે. એકંદર 20 મીટરની ઊંચાઈ સાથે આ મેટ્રો બ્રિજ કેબલ બ્રિજ પછી સમગ્ર શહેરનો બીજા નંબરનો સૌથી ઊંચો બ્રિજ બન્યો છે. આ મેટ્રો બ્રિજની માળખાકીય સંરચનાની વાત કરીએ તો તે કુલ 400 મીટરની લંબાઈ ધરાવે છે, જેમાં કુલ 144 સેગમેન્ટલ ગર્ડર સફળતાપૂર્વક બેસાડવામાં આવ્યા છે. આ મજબૂત બ્રિજના ટ્રેક પરથી 764 મુસાફરોની ક્ષમતા ધરાવતી મેટ્રો ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
