દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે સુરત શહેરમાં આવેલા ખાડીપૂરના પાણી ભલે ઓસરી ગયા હોય, પરંતુ હવે શહેરીજનો પર રોગચાળાનું મોટું સંકટ આવી પડ્યું છે. ખાડીપૂર બાદ સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, સુરત શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું

મળતી માહિતી અનુસાર, સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોની ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં જ રોજના સરેરાશ 600 જેટલા નવા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, જેમાં મોટાભાગના દર્દીઓ તાવ, ઝાડા-ઊલટી, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગોના લક્ષણો ધરાવે છે.

દૂષિત પાણીની સમસ્યા વધી

પૂરના પાણી ભરાયા બાદ ઠેર-ઠેર કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને દૂષિત પાણીની સમસ્યા વધી ગઈ છે. સરકારી હોસ્પિટલોની સાથે-સાથે ખાનગી ક્લિનિકો અને કોર્પોરેટ હોસ્પિટલોમાં પણ બેડ ખૂટી પડ્યા હોવાની વિગતો સામે આવી છે. તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે ફોંગિંગ, દવાનો છંટકાવ તેમજ સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.

https://twitter.com/sandeshnews/status/2077315749753008353

આરોગ્ય ક્ષેત્રે કટોકટી સર્જાવાની ભીતિ

બીજી તરફ, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓનો છંટકાવ અને મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ દર્દીઓની વધતી સંખ્યા સામે આ કામગીરી ટૂંકી પડી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને ઘરની આસપાસ પાણી જમા ન થવા દેવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જો સ્થિતિ કાબૂમાં નહીં આવે તો આરોગ્ય ક્ષેત્રે કટોકટી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Surat News: બે પાસપોર્ટ ઓફિસ અને એક પોસ્ટ ઓફિસને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી