સુરત શહેરમાં તહેવારોની મોસમ આવતાની સાથે જ ખાદ્યપદાર્થોમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાનું તંત્ર સજાગ બન્યું છે.ખાસ કરીને આગામી મંગળવારે ચંદી પડવાનો મોટો તહેવાર છે.આ તહેવાર પર સુરતીઓ પરંપરાગત રીતે કરોડો રૂપિયાની કિંમતની ઘારી અને તીખું ભૂસું આરોગતા હોય છે.ઘારી બનાવવા માટે પાયાની સામગ્રી તરીકે માવાનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવતો હોય છે.આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે વ્યાપક તપાસ હાથ ધરી છે.
માવાના નમૂનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાશે
શહેરના આરોગ્ય તંત્ર દ્વારા શહેરના તમામ ઝોનમાં આવેલા નાના મોટા માવા વિક્રેતાઓ,ડેરી સંચાલકો અને જથ્થાબંધ વેપારીઓને ત્યાં અચાનક પહોંચીને દરોડા પાડવામાં આવ્યા છે.શહેરના પ્રત્યેક ઝોનમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમોએ તહેવાર નિમિત્તે વેચાતા માવાની ગુણવત્તા તપાસવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી છે.ઘારી માત્ર અને માત્ર માવામાંથી જ બનાવવામાં આવતી હોવાથી બજારમાં તેની પુષ્કળ માંગ હોય છે.જેના કારણે માવામાં નકલી તત્વો અથવા અખાદ્ય પદાર્થોની મિલાવટ થવાની સંભાવના વધી જાય છે.માવામાં કોઈ પણ પ્રકારની મિલાવટ છે કે નહીં તે જાણવા માટે ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા વિવિધ વિક્રેતાઓને ત્યાંથી શંકાસ્પદ માવાના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા લેવાયેલા આ તમામ સેમ્પલોને તાત્કાલિક અસરથી ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે.
