ગુજરાતની ખાનગી શાળાઓમાં ફી નિયમન અંગે રાજ્ય સરકાર અને વાલીઓ વચ્ચે ચાલતા લાંબા વિવાદમાં હવે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું લેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી વન ટાઇમ એડમિશન ફી અને વધારાની ટ્યુશન ફી સામે લાલ આંખ કરીને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે, જેના પગલે હવે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ ખાનગી શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે.


FRCએ રાજ્યના તમામ DEOને આપી સૂચના

ફી નિયમન સમિતિ (FRC) એક્ટની કલમ ૧૦(૪) મુજબ, શાળાઓ ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરાયેલી ફી સિવાય અન્ય કોઈ પણ પ્રકારની વધારાની ફી, જેમ કે 'વન ટાઇમ એડમિશન ફી' અથવા 'વધારાની ટ્યુશન ફી' વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી શકશે નહીં. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના આધારે, FRC એ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ તેમના સંબંધિત વિસ્તારોમાં આવેલી તમામ ખાનગી શાળાઓને આ નિયમની જાણકારી આપે અને તેનું ચુસ્તપણે પાલન થાય તેની ખાતરી કરે.

FRCએ નક્કી કરેલી ફીથી વધુ ફી નહીં લઇ શકાય

આ આદેશના અનુસંધાનમાં, સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ ખાનગી શાળાઓને આદેશનું સખત પાલન કરવા માટે સ્પષ્ટ સૂચના આપી દીધી છે. DEO દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઈ શાળા FRC દ્વારા નિર્ધારિત કરાયેલી ફી કરતાં વધારે ફી ઉઘરાવશે અથવા 'વન ટાઇમ એડમિશન ફી' અને 'ટ્યુશન ફી' જેવી વધારાની રકમો વસૂલશે, તો તેવી શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઇ શાળા વધુ ફી લેશે તો કાર્યવાહી કરાશે

આ નિર્ણય વાલીઓ માટે રાહતરૂપ છે, જેઓ લાંબા સમયથી શાળાઓની મનમાની અને વધારાના આર્થિક બોજથી પીડાઈ રહ્યા હતા. ફી નિયમન સમિતિએ DEO ને તેમના કાર્યક્ષેત્રમાં આવેલી શાળાઓ આ નિયમનું કડક પાલન કરે છે કે કેમ, તેની સતત દેખરેખ રાખવા માટે ફરમાન કર્યું છે. શાળાઓએ સુપ્રીમ કોર્ટના આદેશનું ચુસ્તપણે પાલન કરવું આવશ્યક છે. જો કોઈ શાળા આ ચુકાદાનો ભંગ કરશે, તો તેની સામે નિયમો મુજબ કાયદાકીય કાર્યવાહી થશે. આ સૂચનાથી હવે સુરતની ખાનગી શાળાઓએ તેમના ફી માળખામાં પારદર્શિતા લાવવી પડશે અને માત્ર FRC માન્ય ફી જ વસૂલવી પડશે.

  • Follow us on: