જ્વેલર્સને જ 22 કેરેટ અસલી હોવાનો 916 બી.આઇ.એસ. હોલમાર્કનો સ્ટેમ્પ મારી નકલી ચેઇન પધરાવતી ગેંગનો પર્દાફાશ કરાયો હતો.
ટોળકીના 12 સભ્યો સાથે ચેઇન બનાવવાનાં બે મશીન, બી.આઇ.એસ. હોલમાર્ક મારવાના બે મશીન તથા ત્રણ નકલી ચેઇન કબજે કરાઇ હતી. ટોળકીએ 10 કરતાં પણ વધુ નકલી ચેઇન પધરાવી લાખોની છેતરપિંડી કરી હોવાનો પોલીસે દાવો કર્યો હતો.
ડી.સી.પી. આલોકકુમારે જણાવ્યું હતું કે જૂન મહિનાની શરૂઆતમાં સરથાણા વિસ્તારના જ્વેલર્સની નજરમાં આ કૌભાંડ આવ્યું હતું. શિવમંદિર જ્વેલર્સમાં ચેઇન ખરીદવા આવેલા બે શખ્સોએ નકલી ચેઇન પધરાવી 1.05 લાખની અસલી ચેઇન લઇ જવાની કોશિશ કરતાં એક દબોચી લેવાયો હતો. વિમલ મુકેશ લાંગળિયા (રહે. શિવ હોટેલની અગાસી પર, વરાછા)ની કબૂલાતમાં નકલી ચેઇન બી.આઇ.એસ.ના અસલી હોલમાર્ક મારી વેચવાનું રાજ્યવ્યાપી નેટવર્ક બહાર આવ્યું હતું. આ ટોળકી હાર્દિક કમાણીની શિવમંદિર જ્વેલર્સમાંથી એપ્રિલ મહિનામાં 15 અને 25મીએ 10.400 ગ્રામ અને 10.280 ગ્રામ વજનની બે નકલી ચેઇન પધરાવી અસલી ખરીદી ગયા હતા. તે સિવાય મોગલ જ્વેલ્સના ચેતન ધામેલીયાને ત્યાંથી 13.850 ગ્રામની અને ભરત રાદડિયાની ગોપી જ્વેલ્સમાંથી 12.800 ગ્રામ અને 13.900 ગ્રામની બે ચેઇન નકલી પધરાવાઇ હોઇ જ્વેલર્સ એસોસિયેશન સતર્ક બન્યું હતું.
મામલાની ગંભીરતા જોતાં આલોક કુમારે પોતાની આગેવાનીમાં સરથાણા, વરાછા અને કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર તથા ચુનંદા કર્મચારીઓને સાથે રાખી એક ટીમ બનાવી હતી અને ધરપકડનો દોર લંબાવ્યો હતો. પચ્ચીસ દિવસથી ચાલી રહેલા આ ઇન્વેસ્ટિગેશનમાં પોલીસે બીજા 11 આરોપીઓને દબોચી લીધા હતા. તેમની પાસેથી ત્રણ નકલી ચેઇન ઉપરાંત ચેઇન બનાવવાના બે મશીન અને હોલમાર્કનો સ્ટેમ્પ મારી આપતાં બે મશીન પણ કબજે કરાયા હતા.