ગુજરાતમાં ફરવા આવેલા એક જર્મન પ્રવાસીએ ભારતીય આરોગ્ય વ્યવસ્થાની કાર્યક્ષમતાના ભરપૂર વખાણ કર્યા છે.ડેવિડ નેબેલ નામના જર્મન કન્ટેન્ટ ક્રિએટર જેઓ છેલ્લા નવ વર્ષથી વિશ્વભરમાં પ્રવાસ કરી રહ્યા છે.તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાનો સુરતનો અનુભવ વર્ણવ્યો છે.સુરતના વેસુ વિસ્તારમાં પ્રવાસ દરમિયાન ડેવિડ નેબેલને એક રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું. રેબીઝ જેવા ગંભીર રોગના જોખમને ટાળવા માટે તેમણે તાત્કાલિક તબીબી સારવાર લેવાનું નક્કી કર્યું અને તેઓ શહેરની એક સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.આમતો આ ઘટના ગત એપ્રિલ મહિનામાં સામે આવી હતી. પરંતુ એક વીડિયોને કારણે તે હાલમાં સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહી છે.
વિદેશી યુવકને એક રખડતા કૂતરાએ બચકું ભર્યું
પોતાના વીડિયોમાં ડેવિડ નેબેલે જણાવ્યું હતું કે મને એક રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું.રેબીઝથી બચવા માટે મારે તકેદારી રાખવી જરૂરી હતી તેથી હું સુરતની એક સરકારી હોસ્પિટલ ગયો હતો. ત્યાં જે રીતે મને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી તેનાથી હું ખૂબ જ આશ્ચર્યચકિત છું.મારે ચાર ઈન્જેક્શન લેવા પડ્યા જે થોડી અગવડતાભરી બાબત છે પરંતુ સમગ્ર સારવારની ગતિ અને કાર્યક્ષમતા અદભૂત હતી.હું ખરેખર આ સેવા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો છું.પોતાના વતન જર્મની સાથે સરખામણી કરતા ડેવિડે કહ્યું કે, મારા દેશમાં વિદેશી નાગરિકોને સરકારી હોસ્પિટલમાં આ રીતે મફત સારવાર મળતી નથી.ભારતની જાહેર આરોગ્ય સેવાઓ અને તેની સરળ સુલભતા ખરેખર પ્રશંસનીય છે.તેમણે હોસ્પિટલની સ્વચ્છતા અને સ્ટાફની તત્પરતાના પણ વખાણ કર્યા હતા.
ડેવિડ નેબેલનો વીડિયો ખૂબ જ વાયરલ થયો
ડેવિડ નેબેલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે અને તેને લાખો લોકોએ જોયો છે.લોકોએ આ બાબતે અનેક પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ભારતના સરકારી દવાખાનાની સુવિધા પર ભાર મૂકતા કહ્યું કે, ભારતમાં જો કૂતરા, બિલાડી કે વાંદરા કરડે તો હંમેશા સરકારી હોસ્પિટલનો જ સંપર્ક કરવો જોઈએ.અમેરિકાની આરોગ્ય સેવાઓ પર કટાક્ષ કરતા અન્ય એક યુઝરે લખ્યું, અમેરિકામાં તો આ સારવાર પાછળ તમારી પાંચ વર્ષની બચત ખર્ચાઈ ગઈ હોત. એક અન્ય વ્યક્તિએ ટિપ્પણી કરી કે, હું ઈચ્છું છું કે જર્મનીમાં પણ મને આવી તબીબી સંભાળ મળી હોત.ત્યાંના લાંબા વેઇટિંગ ટાઈમના કારણે હું સર્જરી કરાવવા માટે ભારત પાછો આવ્યો હતો.આ કિસ્સાએ માત્ર ભારતમાં રખડતા પ્રાણીઓની સમસ્યા તરફ ધ્યાન દોર્યું છે એટલું જ નહીં,પરંતુ ઈમરજન્સી પરિસ્થિતિઓમાં ભારતીય સરકારી હોસ્પિટલોની સજ્જતા અને સેવાભાવી અભિગમને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી છે.
આ પણ વાંચોઃ Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ