સુરત શહેરમાં ખાડી ઓવરફ્લો થવાના કારણે અને ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને 4 દિવસ વિતી ગયા હોવા છતાં ગોડાદરા વિસ્તારમાં સ્થિતિ યથાવત છે. સુરતના લિંબાયત અને ચોર્યાસી વિધાનસભા હેઠળ આવતા ગોડાદરા વિસ્તારમાં મુખ્ય રોડ પર 1 કિલોમીટર સુધીના અંતરમાં હજુ પણ ઢીંચણથી કમરડોબ પાણી ભરાયેલા રહેતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

 ખાડી ઓવરફ્લો થવાના કારણે પૂરની સ્થિતિ

https://twitter.com/sandeshnews/status/2080909538367344759

ગોડાદરા મુખ્ય રોડ પર ભયાનક દ્રશ્યો 

ડ્રોન વીડિયો મારફતે સામે આવેલા દ્રશ્યોમાં ગોડાદરા મુખ્ય રોડ જાણે કોઈ મોટો દરિયા કિનારો કે તળાવ હોય તેવા ભયાનક દ્રશ્યો કેદ થયા છે. આ વિસ્તારમાં રહેતા ધનાઢ્ય અને મધ્યમ વર્ગના સ્થાનિકોની કરોડો રૂપિયાની લક્ઝુરિયસ કારો અને વાહનો ઘરો-સોસાયટીઓમાં જ પાણીમાં ગરકાવ થઈને પડી રહ્યા છે. પરિણામે, પોતાના જરૂરી કામકાજ, દૂધ અને શાકભાજી માટે નીકળતા લોકો શટલ તરીકે ચલાવવામાં આવી રહેલા ટ્રેક્ટરોમાં સવાર થઈને પાણી પાર કરવા મજબૂર બન્યા છે.

ધારાસભ્ય સંદીપ દેસાઈનો વિરોધ અને હુરિયો

છેલ્લા ચાર દિવસથી પૂરના પાણીમાં ફસાયેલા રહીશોની ધીરજ ખૂટી જતાં આજે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થિતિનો તાગ મેળવવા અને સમીક્ષા કરવા પહોંચેલા સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ દર્શાવી હુરિયો બોલાવ્યો હતો. નાગરિકોએ સીધો આરોપ લગાવ્યો હતો કે, દર ચોમાસે ગોડાદરા વિસ્તારમાં પાણી ભરાય છે છતાં પાલિકા કે જનપ્રતિનિધિઓ દ્વારા પાણીના કાયમી નિકાલ માટે ડ્રેનેજ કે ખાડીની યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.

ગોડાદરાના હજારો રહીશો હજુ પણ પૂરના કેદમાં 

પાણીના યોગ્ય નિકાલ માટે ડ્રેનેજ પંપ મૂકવામાં આવ્યા હોવાના તંત્રના દાવા છતાં ગોડાદરાના હજારો રહીશો હજુ પણ પૂરના કેદમાં છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મોટા સક્શન પંપો મૂકીને પાણી ખાલી કરવામાં આવે તેવી સ્થાનિકો અલ્ટીમેટમ સાથે માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Botad: બરવાળામાં ઉતાવળી નદીના પૂરમાં છકડો રિક્ષા તણાઈ, ભયજનક વહેણમાં ચાલક પણ તણાયો