સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી (ગોલ્ડ સ્મગલિંગ) નો મોટો મામલો સામે આવ્યો છે. દુબઈથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ ગુપ્ત બાતમીના આધારે ચેકિંગ હાથ ધરીને આશરે રૂ.36.89 લાખની કિંમતનું શુદ્ધ સોનું જપ્ત કર્યું છે. દાણચોરોએ કસ્ટમ્સ ચેકિંગથી બચવા માટે સોનાને ફ્લાઈટમાં જ બિનવારસી હાલતમાં છોડી દીધું હતું.
ફ્લાઈટની સીટ નીચેથી મળ્યું મખમલી પાઉચ
દુબઈથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX-274 એરપોર્ટ પર લેન્ડ થયા બાદ કસ્ટમ્સ વિભાગની ટીમે વિમાનની અંદર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ફ્લાઈટની સીટ નંબર 21B પાસે તપાસ કરતા ત્યાંથી એક શંકાસ્પદ કાળા રંગનું મખમલી પાઉચ બિનવારસી (લાવારિસ) હાલતમાં મળી આવ્યું હતું. આ પાઉચ ખોલીને જોતા તેમાંથી ચાંદી જેવા દેખાતા કડા મળી આવ્યા હતા. જો કે, અધિકારીઓએ તેની બારીકાઈથી તપાસ કરતા આ ચાંદીના દેખાતા કડા પર અસલી સોનાનું કોટિંગ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.













