સુરત જિલ્લાના મોટા બોરસરા ખાતે કીમ નદી કિનારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે પહોંચીને તપાસ હાથ ધરી છે.આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા નદીમાં કેમિકલ છોડવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી.જેને પગલે જીપીસીબી દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા આધુનિક ડ્રોન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.સ્થાનિક સ્તરે કાર્યરત ઔદ્યોગિક એકમો દ્વારા છૂપી રીતે ઝેરી કેમિકલ્સ નદીમાં વહાવી દેવામાં આવે છે.આ ગંભીર બાબતને લઈને ગ્રામજનો દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો.
ડ્રોન કેમેરાની મદદથી હવાઈ સર્વેલન્સ હાથ ધરાયુ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વિશેષ ટીમે લોકોની ફરિયાદ બાદ સ્થળ મુલાકાત લીધી હતી.જીપીસીબીના અધિકારીઓ સીધા જ કીમ નદીના કિનારે પહોંચ્યા હતા. અધિકારીઓએ સમગ્ર નદી કાંઠાના વિસ્તારનું ઝીણવટભર્યું નિરીક્ષણ શરૂ કર્યું હતું.નદીના પટમાં ક્યાંથી અને કેવી રીતે કેમિકલ ઠલવાય છે તે શોધવા કવાયત હાથ ધરાઈ હતી.આ કામગીરી દરમિયાન અધિકારીઓએ ગ્રામજનોને સાથે રાખીને વિગતો મેળવી હતી.ગ્રામજનોની ઉપસ્થિતિમાં નદીમાંથી પ્રદૂષિત પાણીના વિવિધ સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા હતા.આ સેમ્પલોને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કીમ નદીની આસપાસના વિશાળ પટમાં તપાસ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.GPCB દ્વારા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.
