સુરત શહેરના પુણાથી સારોલી જતા રોડ પર વહેલી સવારે એક અત્યંત ગંભીર અને ભયાનક રસ્તા અકસ્માત સર્જાયો છે. રોડ પરથી પસાર થઈ રહેલી બસ અને રિક્ષા વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષાનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવના પગલે આસપાસના રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
ડ્રાઇવિંગ કેબિન દબાઈ જતાં ચાલક ફસાયો
આ ભીષણ અકસ્માતમાં રિક્ષાની ડ્રાઇવિંગ કેબિન સંપૂર્ણપણે ડેમેજ થઈ ગઈ હતી અને સીટનો ભાગ અંદરની તરફ દબાઈ ગયો હતો. જેના કારણે રિક્ષાચાલક રાજદેવ કેબિનની અંદર લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ડુંભાલ ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ખાસ હાઇડ્રોલિક ટૂલ્સ અને કટરની મદદથી દબાઈ ગયેલી કેબિનને પહોળી કરીને ભારે જહેમત બાદ રિક્ષાચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
