સુરતના પ્રસિદ્ધ મહિધરપુરા હીરા બજાર વિસ્તારમાં આજે સવારે એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં એક મકાનમાં આગ લાગ્યા બાદ ફ્રીજના કમ્પ્રેસરમાં જોરદાર ધડાકો (બ્લાસ્ટ) થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આખી બિલ્ડીંગ ધ્રુજી ઉઠી હતી.
ચોથા માળે સિલિન્ડર લીકેજ બાદ આગ
પ્રાપ્ત માહિતી અનુસાર, હીરા બજાર વિસ્તારમાં આવેલા એક ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના મકાનના ચોથા માળે આ ઘટના બની હતી. આ રૂમમાં જ્વેલરી પોલિશિંગનું કામ થતું હતું અને ત્યાં જ લોકો રહેતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રૂમમાં સિલિન્ડર લીકેજ થવાના કારણે પહેલા આગ લાગી હતી.આ આગ ધીમે ધીમે ફેલાઈ અને રૂમમાં મૂકાયેલા ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી હતી. આગની તીવ્રતાના કારણે કમ્પ્રેસર ગરમ થઈ જતાં તેમાં જોરદાર ગેસ બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટનો લાઈવ વીડિયો આવ્યો સામે
ગેસ બ્લાસ્ટની આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ધડાકાની ગંભીરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફાયર વિભાગની ટીમ આગ ઓલવવાની કામગીરી કરી રહી હતી તે દરમિયાન જ આ બ્લાસ્ટ થયો હતો. સદનસીબે, જાનહાનિના કોઈ મોટા સમાચાર નથી, પરંતુ બ્લાસ્ટના કારણે મકાનને ભારે નુકસાન થયું છે. ફાયર વિભાગે તુરંત જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, હીરા બજાર જેવા ગીચ વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સુરક્ષા અને આગની ઘટનાઓ પર ફરીથી સવાલો ઉભા થયા છે.









