સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આર્થિક છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજોએ પાંડેસરા વિસ્તારમાં એક મિલકત માટે બોગસ અને બનાવટી 'પાવર ઓફ એટર્ની' તૈયાર કરી હતી. આ નકલી દસ્તાવેજોનો સરકારી ચોપડે અને દફતરે સાચા તરીકે ઉપયોગ કરીને આરોપીઓએ રૂ. 65 લાખની માતબર રકમની મોટી છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
પાંડેસરા પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ
છેતરપિંડીની ફરિયાદ નોંધાતાં જ પાંડેસરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સઘન તપાસ બાદ આ કૌભાંડમાં સામેલ મુખ્ય બે આરોપીઓ મંગલાપ્રસાદ યાદવ અને શિવમ ઉર્ફે રીંકુ સિંગની ધરપકડ કરી છે. બોગસ દસ્તાવેજો બનાવી રૂ. 65 લાખની ઠગાઈ આચરનાર આ બંને આરોપીઓને પોલીસે જેલભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
