સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયના ઇંતજાર બાદ સુરતના આંગણે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનો રોમાંચ જોવા મળશે. આગામી 1 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન સુરતના પ્રખ્યાત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલા યોજાશે.

ત્રણ મહત્વપૂર્ણ મેચોની યજમાની કરશે સુરત 

બંને દેશો વચ્ચે કુલ પાંચ T-20 મેચની શ્રેણી રમાવાની છે, જેમાંથી પ્રથમ બે મેચ વડોદરા ખાતે રમાશે અને ત્યારબાદની અંતિમ ત્રણ મહત્વપૂર્ણ મેચોની યજમાની સુરત કરશે. સુરતમાં રમાનારી મેચોના સમયપત્રક મુજબ, 1 ડિસેમ્બરે ત્રીજી T-20 મેચ સાંજે 6 વાગ્યે, 3 ડિસેમ્બરે ચોથી T-20 મેચ સાંજે 6 વાગ્યે અને શ્રેણીની અંતિમ એટલે કે પાંચમી T-20 મેચ 6 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે રમાશે.

સુરતની દીકરી આખ્સાહ પરમારની ભારતીય ટીમમાં પસંદગી

આ આંતરરાષ્ટ્રીય શ્રેણી સુરતવાસીઓ માટે બમણી ખુશી લઈને આવી છે, કારણ કે ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં સુરતની પ્રતિભાશાળી ખેલાડી આખ્સાહ પરમારની પસંદગી કરવામાં આવી છે. આખ્સાહ પરમાર હાલમાં ગુજરાત અંડર-19 મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન તરીકેની જવાબદારી પણ નિભાવી રહી છે. પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવું તે આખ્સાહ અને સમગ્ર સુરત શહેર માટે ગૌરવની ક્ષણ બની રહેશે. સ્થાનિક ક્રિકેટ વર્તુળોમાં આ પસંદગીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વર્ષ 2019 બાદ સુરતવાસીઓનો લાંબો ઇંતજાર થયો પૂર્ણ

ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ 2019માં સુરત ખાતે ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે આંતરરાષ્ટ્રીય મેચોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોનાકાળ અને અન્ય કારણોસર સુરતમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ ન હતી, જેની ક્રિકેટ ચાહકો વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. હવે ફરી એકવાર લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે, જેને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો થનગનાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો