સુરત શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ અને ભ્રામક માહિતી ફેલાવનારા તત્વો સામે ડિંડોલી પોલીસે કડક કાર્યવાહી કરી છે. ચોમાસાની ઋતુ દરમિયાન ખોટી અફવા ફેલાવી લોકોમાં ભયનો માહોલ ઊભો કરનાર ઇન્સ્ટાગ્રામ યુઝર જગદીશ બારતસિંઘ ગીરાસેને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા પર સસ્તા ફૂટેજ અને લાઈક્સ મેળવવા માટે કરવામાં આવેલા આ કૃત્ય સામે પોલીસે તાત્કાલિક ધોરણે પગલાં ભર્યા છે.
ભ્રામક વીડિયો અપલોડ કરનાર ઝડપાયો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી જગદીશે ગત ૭ જુલાઈ ૨૦૨૬ના રોજ ચિંતાચોક વિસ્તારમાં પાણી ભરાયાનો એક જૂનો વીડિયો મેળવ્યો હતો. આ જૂના વીડિયોને એડિટ કરીને તેણે ગત ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ તાજેતરની પરિસ્થિતિ તરીકે દર્શાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વરસાદી માહોલ વચ્ચે ખોટી માહિતી ફેલાતાં લોકોમાં વગર કારણે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
