સુરતની પ્રતિષ્ઠિત સુમુલ ડેરીમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક બેઠકની ઓડિયો ક્લિપ વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ક્લિપમાં ડિરેક્ટરો સામ-સામે દલીલો અને રજૂઆતો કરતા સ્પષ્ટ સંભળાય છે, જે દર્શાવે છે કે ડેરીના વહીવટમાં કંઈક અજુગતું ચાલી રહ્યું છે.
ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ
પ્રાપ્ત માહિતી અનુસાર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આ બેઠકમાં ચેરમેન માનસિંહ પટેલ, ઉપપ્રમુખ રાજુ પાઠક, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને રજિસ્ટ્રાર હરેશ કાછડ સહિતના મહત્ત્વના સભ્યો હાજર હતા. બેઠક દરમિયાન થયેલી વાતો કોઈકે ગુપ્ત રીતે પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી, અને હવે તે ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ ઓડિયો ક્લિપમાં ડિરેક્ટરો વચ્ચેના આંતરિક મતભેદો અને અણબનાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા પણ સંભળાય છે.
સુમુલ ડેરીના પારદર્શક વહીવટ પર સવાલો
આ ઘટનાથી સુમુલ ડેરીના પારદર્શક વહીવટ પર સવાલો ઊભા થયા છે અને ડિરેક્ટરોના આંતરિક વિવાદની અસર ડેરીના કાર્ય અને પ્રતિષ્ઠા પર પડી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ સ્થાનિક રાજકારણમાં પણ હલચલ મચી ગઈ છે. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે સુમુલ ડેરીના સંચાલકો પર નિશાન સાધવામાં આવી રહ્યું છે, અને સમગ્ર મામલે તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે. ડેરીના ભવિષ્ય અને દૂધ ઉત્પાદકોના હિતમાં આ આંતરિક વિવાદનો તાત્કાલિક ઉકેલ લાવવો અનિવાર્ય બન્યો છે.









