સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ભારે આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. સુરત એરપોર્ટ પર એક ફ્લાઇટ રનવે પરથી ટેક-ઓફ માટે ગતિ પકડી રહી હતી, બરાબર તે જ સમયે રનવેની વચ્ચોવચ અચાનક એક 3 ફૂટ લાંબો ઝેરી સાપ આવી ચડ્યો હતો. રનવેની મધ્યમાં પહોંચીને સાપ ફેણ ચડાવીને બેસી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી.
પાઇલટની સમયસૂચકતાથી દૂર્ઘટના ટળી
રનવે પર ઝડપ પકડી રહેલા વિમાનના પાઇલટની નજર રનવેની વચ્ચે બેઠેલા સાપ પર પડી હતી. પાઇલટે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના અત્યંત સમયસૂચકતા વાપરીને પ્લેનને ઈમરજન્સી બ્રેક મારી દીધી હતી અને વિમાનને રનવે પર જ સુરક્ષિત રીતે થોભાવી દીધું હતું. પાઇલટના આ ક્વિક ડિસિઝનને કારણે પ્લેનમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
મુસાફરે વિમાનની બારીમાંથી લાઇવ વીડિયો કેદ કર્યો
આ સમગ્ર રોમાંચક અને ડરામણી ઘટનાનો વીડિયો પ્લેનમાં સવાર એક મુસાફરે પોતાની બારીમાંથી કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કઈ રીતે સાપ રનવેની બિલકુલ વચ્ચે રસ્તો રોકીને ફેણ ચડાવીને આક્રમક મૂડમાં બેઠો છે.
https://twitter.com/sandeshnews/status/2077814275746472376
ચોમાસાની ઋતુના કારણે ઝાડીઓમાંથી સાપ ઘૂસી આવ્યાની આશંકા
ઘટનાની જાણ થતાં જ સુરત એરપોર્ટનો સ્ટાફ, વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમ અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. ભારે જહેમત બાદ રનવે પરથી સાપને સુરક્ષિત રીતે પકડી લેવાયો હતો અને તેને વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુને કારણે રનવેની આજુબાજુ આવેલી ઝાડીઓમાંથી સાપ રનવે પર આવી ગયો હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા અને તકેદારીના પગલાં વધુ કડક કરી દેવાયા છે.
આ પણ વાંચો - 17 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ