સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. જહાંગીરપુરા મોરા ભાગળ નજીક આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગના આઠમા માળે કલર કામ કરી રહેલો યુવક અચાનક બાલકનીમાંથી નીચે પટકાયો હતો. કામ દરમિયાન સેફ્ટીના કોઈ પણ સાધનો કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આઠમા માળેથી નીચે પટકાતાં યુવકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
બાલકનીમાં કામ કરતી વખતે સર્જાઈ દુર્ઘટના
આ કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર યુવકની ઓળખ નાઝીમ સૈયદ તરીકે થઈ છે. નાઝીમ છેલ્લા 10 વર્ષથી કલર કામનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની સાથે જ કામ કરતા સાથી કર્મચારી તૌસિફે નાઝીમના પરિવારને ફોન કરીને જાણ કરી હતી કે નાઝીમ આઠમા માળેથી નીચે પડી ગયો છે. મૃતક નાઝીમ પોતાના પરિવારમાં પત્ની અને ૩ નાના સંતાનો (બે દીકરા અને એક દીકરી)ને વિલાપ કરતા છોડી ગયો છે. પરિવારના મોભીના અચાનક અવસાનથી પરિવારજનો પર દૂખનો પહાડ તૂટી પડ્યો છે.
