સુરત જિલ્લાના કામરેજ પંથકમાં મધરાતે એટીએમ તોડવા આવેલા તસ્કરો સાથે વિચિત્ર ઘટના બની છે. કામરેજ ચાર રસ્તા નજીક કામરેજથી ખોલવડ ગામ તરફ જતા હાઇવેના સર્વિસ રોડ પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના એટીએમ સેન્ટરને નિશાન બનાવીને તસ્કરોએ રોકડ રકમ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એટીએમ મશીન તોડવાની લહાયમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં તસ્કરોના હોશ ઊડી ગયા હતા અને રોકડ રકમ ચોર્યા વગર જ વિલા મોઢે ત્યાંથી નાસી છૂટવું પડ્યું હતું.

કામરેજ-ખોલવડ રોડ પર આવેલું SBI ATM બન્યું નિશાન

ઘટનાની વિગતો અનુસાર, હાઇવે નજીક હોવાના કારણે વાહનોની અવરજવર ઓછી થતાં જ તસ્કરોએ ચોરીનો પ્લાન ઘડ્યો હતો,કામરેજથી ખોલવડ ગામ તરફ જતા સર્વિસ રોડ પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ બૂથમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો પ્રવેશ્યા હતા.તસ્કરોએ કેશ બોક્સ સુધી પહોંચવા માટે મશીનને તોડવાની પેરવી શરૂ કરી હતી.મશીન તોડવા માટે ગેસ કટર કે અન્ય કોઈ સાધનોના ઉપયોગ દરમિયાન અથવા વાયરિંગમાં થયેલા સ્પાર્કના કારણે અચાનક એટીએમમાં ભડકો થયો હતો અને આગની જવાળાઓ ઊઠવા લાગી હતી.

આગ લાગતાં તસ્કરોના મનસૂબા પર પાણી ફરી વળ્યું, ખાલી હાથે ફરાર

અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ચોરોમાં નાસભાગ મચી ગઈ હતી.એટીએમ કેબિનમાંથી ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ નીકળવા માંડતાં આસપાસના લોકો જાગી જશે અથવા પકડાઈ જઈશું તેવા ડરથી તસ્કરોને પ્લાન અધૂરો મૂકીને ભાગવાની ફરજ પડી હતી.તસ્કરો રોકડ રકમ હાથમાં આવ્યા વગર જ ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા, જેથી મોટી રોકડની ચોરી થતાં બચી ગઈ હતી.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં 5 મહિના લાંબી ચાલેલી એડમિશન પ્રક્રિયા આખરે પૂર્ણ! 76,190 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ