સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા પાલી ગામે એક ખેડૂત માટે આર્થિક પાયમાલી સર્જતી અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલા શેરડીના ખેતરમાં અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ખેડૂતની આશરે 10 વીઘા જમીનમાં ઉભેલી શેરડીનો પાક બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો હતો. ખેતરમાંથી ઊંચા જ્વાળામુખી જેવા લપકારો અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતાં આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સીઝન શરૂ થાય તે પહેલાં જ મોટું આર્થિક નુકસાન
દક્ષિણ ગુજરાતમાં સુગર મિલોની પિલાણ સીઝન ટૂંક સમયમાં જ વિધિવત રીતે શરૂ થવા જઈ રહી છે. ખેડૂતો પોતાના શેરડીના પાકની કાપણી કરીને મિલોમાં મોકલવાની તૈયારીઓ કરી રહ્યા હતા, તે જ સમયે આ દુર્ઘટના ઘટી હતી. મોંઘા બિયારણ, ખાતર અને રાત-દિવસની સખત મજૂરી બાદ તૈયાર થયેલો પાક નજર સામે જ રાખ થઈ જતાં પીડિત ખેડૂતની આખી સીઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને તેમને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
