ડિજિટલ યુગમાં સ્માર્ટફોનનો ઉપયોગ જેટલો સહજ બન્યો છે, સાયબર માફિયાઓની છેતરપિંડીની જાળ એટલી જ વધુ ખતરનાક અને આધુનિક બની રહી છે. સુરત શહેર નજીક આવેલા કઠોદરા વિસ્તારમાંથી સાયબર ફ્રોડનો અત્યંત ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતી એક નિર્દોષ યુવતીને વ્હોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી એક શંકાસ્પદ APK ફાઇલ ડાઉનલોડ કરવી ભારે પડી ગઈ છે. ફાઇલ ઇન્સ્ટોલ થતાંની સાથે જ યુવતીનો સમગ્ર સ્માર્ટફોન હેક થઈ ગયો હતો અને ગઠિયાઓએ તેના બેંક ખાતામાંથી એક પછી એક ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂપિયા ૫.૬૭ લાખ સાફ કરી નાખ્યા હતા. છેતરાયાનો અહેસાસ થતાં યુવતીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ન્યાય માટે ધા નાખી છે.
એક ક્લિક અને મોબાઈલ સંપૂર્ણ હેક
આ આધુનિક સાયબર હુમલાની મોડસ ઓપરેન્ડી અંગે સામે આવેલી ચોંકાવનારી વિગતો,સાયબર ઠગો દ્વારા યુવતીના વ્હોટ્સએપ નંબર પર કોઈ આકર્ષક લિંક, લોભામણી સ્કીમ કે અપડેટના બહાને એક એપીકે (.apk) ફોર્મેટની ફાઇલ મોકલવામાં આવી હતી.યુવતીએ સત્યતા ચકાસ્યા વિના જેવી એ ફાઇલ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી, કે તરત જ ફોનમાં છૂપો માલવેર (Malware) સક્રિય થઈ ગયો હતો.માલવેરના કારણે યુવતીના મોબાઈલની તમામ એક્સેસ, સ્ક્રીન મિરરિંગ અને ખાસ કરીને આવનારા વન ટાઈમ પાસવર્ડ (OTP) સાયબર માફિયાઓના કંટ્રોલમાં ચાલ્યા ગયા હતા.
બેંકમાં તપાસ કરી ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ
મોબાઈલ હેક થયા બાદ યુવતીને ગંધ પણ ન આવી અને પૈસા કપાઈ ગયા.સાયબર ગઠિયાઓએ યુવતીના બેંક એકાઉન્ટ અને યુપીઆઈ/નેટબેંકિંગ ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને એક પછી એક મોટા ટ્રાન્ઝેક્શન મારફતે ₹5,67,000ની તોતિંગ રકમ પોતાના મળતિયા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી.મોબાઈલ પર બેંક મેસેજ બ્લોક થઈ ગયા હોવાથી યુવતીને તુરંત ખ્યાલ ન આવ્યો, પરંતુ ખાતામાં શંકા જતાં જ્યારે તે બેંકની શાખામાં તપાસ કરવા પહોંચી ત્યારે ખાલી થઈ ગયેલું બેલેન્સ જોઈને તેના હોશ ઊડી ગયા હતા.બેંક અધિકારીઓ દ્વારા તપાસ કરાતાં યુવતી ઓનલાઇન સાયબર ફ્રોડનો ભોગ બની હોવાનું સ્પષ્ટ થયું હતું.
સુરત સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધી નાણાં ફ્રીઝ કરાવવા તજવીજ હાથ ધરી
યુવતીની ફરિયાદના આધારે સાયબર પોલીસે તપાસ તેજ કરી છે.સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે જે બેંક એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેના ટ્રાન્ઝેક્શન આઈડી મેળવીને તે ખાતાઓ તાત્કાલિક ફ્રીઝ કરાવવાની કવાયત હાથ ધરી છે, જેથી રકમ રિકવર કરી શકાય.સાયબર નિષ્ણાતો દ્વારા આ ઘટનાના પગલે સામાન્ય નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે કે સોશિયલ મીડિયા કે વ્હોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવતી કોઈ પણ APK ફાઇલ કે અનવેરિફાઇડ એપ્લિકેશન ક્યારેય ડાઉનલોડ કરવી નહીં.
આ પણ વાંચો: Ahmedabad: ગરબાના મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા; ‘મંડળી ગરબા’માં બાઉન્સરોનો આતંક, મોડી રાત્રે માથાકૂટ થતાં નાસભાગ!