ચોમાસા દરમિયાન સુરત શહેરના લિંબાયત, ઉધના, પાંડેસરા અને પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જતી ખાડીપૂરની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે વહીવટી સ્તરે મહત્વપૂર્ણ ગતિવિધિ તેજ બની છે. ખાડીઓ ઉપર થયેલા ગેરકાયદે દબાણો, પાણીના વહેણમાં અવરોધો તેમજ ટેકનિકલ સમસ્યાઓ અંગે કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલો વિગતવાર અને સુધારેલો પ્રાથમિક સર્વે રિપોર્ટ આવતીકાલે રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.

અગાઉના રિપોર્ટમાં ક્ષતિઓ સામે આવતાં નવો બાથિમેટ્રિક સર્વે કરાયો

ખાડીપૂર નિવારણ માટે અગાઉ તૈયાર કરવામાં આવેલા પ્લાનિંગ અને રિપોર્ટમાં અનેક ટેકનિકલ ખામીઓ સામે આવી હતી.જૂના અહેવાલમાં રહેલી ક્ષતિઓને ધ્યાને રાખીને કન્સલ્ટન્ટ એજન્સીને ફરીથી સુરતમાં જ સ્થળ પર જઈને નવેસરથી ગ્રાઉન્ડ ડેટા એકત્રિત કરવા આદેશ અપાયો હતો. એજન્સી દ્વારા ખાડીના તળિયાની ઊંડાઈ, કાંપનું પ્રમાણ અને પાણી વહન કરવાની વાસ્તવિક ક્ષમતા માપવા માટે આધુનિક બાથિમેટ્રિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેનાથી ખાડીની ખરી ભૌગોલિક સ્થિતિ સ્પષ્ટ થઈ છે.

 સર્વે અધૂરો રહેતાં વિલંબ થયો

આ મહત્વકાંક્ષી અહેવાલ અગાઉ નિયત તારીખે રજૂ થઈ શક્યો નહોતો.અગાઉના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આ સર્વે રિપોર્ટ ૬ ઓક્ટોબરના રોજ સરકાર સમક્ષ રજૂ કરવાનો લક્ષ્યાંક હતો.જોકે, સ્થળ તપાસ દરમિયાન ખાડીના પટમાં રહેલા જટિલ દબાણો અને વરસાદી પાણીના નિકાલના પોઈન્ટ્સનો સર્વે પૂર્ણ ન થઈ શકવાના કારણે તે સમયે રિપોર્ટ રજૂ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું.હવે સમગ્ર ડેટાબેઝ તૈયાર થઈ જતાં આવતીકાલે આ સુધારેલો રિપોર્ટ સરકારના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવશે.

ગેરકાયદે દબાણો અને ખાડી વિસ્તરણ અંગે મોટા નિર્ણયોની શક્યતા

કન્સલ્ટન્ટ એજન્સીના આ પ્રાથમિક અહેવાલથી ખાડીઓની વાસ્તવિક સ્થિતિ સરકાર સમક્ષ છતી થશે.ખાડી કિનારે થયેલા ગેરકાયદે પાકા અને કાચા દબાણો, ઔદ્યોગિક કચરાના નિકાલ અને ખાડી પહોળી કરવા માટે કયા વિસ્તારોમાં ડિમોલિશન જરૂરી છે તેની સ્પષ્ટ વિગતો સામે આવશે.આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીપૂરથી સુરતીઓને કાયમી મુક્તિ અપાવવા માટે કરોડો રૂપિયાના ડ્રેનેજ પ્રોજેક્ટ અને મેગા એક્શન પ્લાનને મંજૂરી આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad: નારોલ રોડ પર ખુલ્લી ડ્રેનેજ લાઈને લીધો માસૂમનો ભોગ; 72 કલાકથી ડ્રેનેજ સાફ કરી બાળકીની શોધખોળ