સુરતમાં 25 દિવસમાં ત્રણ-ત્રણ વખત ખાડી પૂરનો સામનો કરનારા અસરગ્રસ્ત નાગરિકોના ઉગ્ર વિરોધના પ્રેશર બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા અલથાણ પાસે આવેલી કાંકરા ખાડી ખાતે એકસાથે 8 JCB મશીન ઉતારીને ખાડીનું ખોદાણ કરી તેને પહોળી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર માત્ર 17 દિવસના ટૂંકા ગાળામાં જ 19,000 ક્યુબિક મીટર માટી ઉલેચી લેવામાં આવી છે. આ સફાઈ અને ખોદાણની કામગીરી અલથાણથી શરૂ કરીને સચિન સુધી લંબાવવામાં આવશે.

ખાડી પૂર નિવારણ માટે પમ્પિંગ સ્ટેશનનું આયોજન 

ખાડી પૂરની કાયમી સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત મીઠી ખાડી, કાંકરા ખાડી અને ભેદવાડ ખાડીનો પટ ભૌતિક રીતે પહોળો કરવામાં આવશે. આ ઉપરાંત ખાડીઓમાં પાણીના કુદરતી વહેણને અટકાવતા બોટલનેક અને ડ્રેનેજ ક્રોસિંગ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. પૂરના સમયે પાછળથી આવતા બેક વોટરને અટકાવવા માટે ખાસ ફ્લડ ગેટ્સ અને હાઈ-કેપેસિટી પમ્પિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે, તેમજ સર્વેના આધારે કાયમી પાળા બનાવવા અને ડિસિલ્ટિંગ (ગાડ કાઢવા) માટેનું અલગ બજેટ ફાળવવામાં આવશે.

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સરકારને સોંપાશે રિપોર્ટ

ખાડી પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સોમવારે 'ખાડીપૂર નિવારણ સમિતિ'ની એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક બેઠક યોજાવા જઈ રહી છે. સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ખાડી પૂરની કામગીરી અને કાયમી ઉકેલ અંગેનો વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે. સોમવારની બેઠકમાં લેવાનારા નિર્ણયો સુરતવાસીઓને ભવિષ્યમાં ખાડી પૂરની હોનારતમાંથી મુક્તિ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો