ગુજરાતમાં સોશિયલ મીડિયા પર કોમેડી અને સામાજિક કાર્યોથી લોકપ્રિય બનેલા કલાકાર નીતિન જાની, જેઓ 'ખજૂરભાઈ'ના હુલામણા નામથી જાણીતા છે, તેમણે રાજકારણમાં પ્રવેશવાની સત્તાવાર જાહેરાત કરી છે. સુરત ખાતે તેમણે યુવાનો સામે ખુલ્લીને વાત કરી હતી કે તેઓ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે તે પાક્કું છે. તેમની આ જાહેરાતથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.


ખજૂરભાઇની રાજનીતીમાં આવવાની જાહેરાત

નીતિન જાનીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ કઈ રાજકીય પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે હજી નક્કી નથી. જો કોઈ પણ પક્ષ તેમને આવકારશે નહીં તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે રાજનીતિમાં આવવા પાછળનો તેમનો મુખ્ય હેતુ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે. પોતાના સેવાકાર્યોનો ઉલ્લેખ કરતાં ખજૂરભાઈએ કહ્યું હતું કે, "રાજનીતિ વગર મેં અત્યાર સુધીમાં ૩૭૦ જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઘર બનાવ્યા છે." તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, "જો હું ઇલેક્શન લડીને જીતીશ તો મને વધુ પાવર મળશે અને તેના થકી હું સમાજ માટે વધુ મોટા અને સારા કાર્યો કરી શકીશ."

2027ની વિધાનસભાની ચૂંટણી લડીશઃ નીતિન જાની

ખજૂરભાઈએ રાજ્યના શિક્ષિત યુવાનોને રાજનીતિમાં આગળ આવવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે દરેક ભણેલા અને શિક્ષિત યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ. કઈ બેઠક પરથી અને કયા વિસ્તારમાંથી ચૂંટણી લડવી તે અંગે તેમણે હજી કોઈ નિર્ણય લીધો નથી. જોકે, તેમણે સમગ્ર ગુજરાતમાં કામ કર્યું હોવાથી તેઓ આખા ગુજરાતને પોતાનો પ્રદેશ માને છે. તેમણે ઉમેર્યું કે આખા ગુજરાતના યુવાનો તેમને પસંદ કરે છે, તેથી જ તેમણે યુવાઓને રાજનીતિમાં આવવા પ્રેર્યા છે. નોંધનીય છે કે, રાજુલામાં એક મહિના પહેલા યોજાયેલા ખાનગી કાર્યક્રમમાં પણ તેમણે યુવાનોને રાજનીતિમાં આવવા અંગે વાત કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હવે સુરતથી સત્તાવાર જાહેરાત કરીને નીતિન જાનીએ ગુજરાતની રાજનીતિમાં નવો સૂર રેલાવ્યો છે.

  • Follow us on: