સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી ખાતે આવેલી ધી કોસંબા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં વિકાસ પેનલ અને સંઘર્ષ સમિતિ પેનલ વચ્ચે સીધો અને ખરાખરીનો મુકાબલો જામ્યો છે. બંને પેનલોના 17-17 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરતા સમગ્ર પંથકમાં સહકારી રાજકારણ ગરમાયું છે અને સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
7 હજારથી વધુ સભાસદો મતદાન કરશે, લાંબી કતારો
બેંકની આ ચૂંટણીમાં 7 હજારથી વધુ સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન શરૂ થતાની સાથે જ મતદાન મથકો પર સભાસદોની લાંબી કતારો જોવા મળી હતી. તરસાડી અને કોસંબા વિસ્તારના નાગરિકો તેમજ વેપારીઓ માટે આ બેંક આશીર્વાદરૂપ ગણાય છે, જેના કારણે સભાસદોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ અને રસ જોવા મળી રહ્યો છે.
