સુરતની લાજપોર સેન્ટ્રલ જેલના વધુ બે જેલરની બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, જેલર હર્ષદ કે. સોલંકીની કચ્છની ગળપાદર જિલ્લા જેલ ખાતે અને જેલર નિલેશ એલ. છાપીયાની રાજપીપળા જિલ્લા જેલ ખાતે બદલી કરવામાં આવી છે. જેલમાં કેદીઓને VIP સુવિધા પૂરી પાડવા, બેરેકમાંથી મોબાઈલ, ચાર્જર અને બેટરી સહિતની પ્રતિબંધિત સામગ્રી મળી આવવા તેમજ પાનમસાલા-ગુટકાના વપરાશ, ઉઘરાણા અને લાંચના ગંભીર આક્ષેપો વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે.
બે મહિના અગાઉ DGPની તપાસ બાદ 8 કર્મચારી સસ્પેન્ડ થયા હતા
આશરે બે મહિના અગાઉ DGPના આદેશથી કરવામાં આવેલી આકસ્મિક તપાસ બાદ લાજપોર જેલના 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે સમયે એક જેલરની બદલી કરવામાં આવી હતી અને 4 કેદીઓને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ હવે વધુ બે જેલરો સામે બદલીનું પગલું ભરવામાં આવ્યું છે.
