સુરતમાં લાલગેટ પોલીસે લાલગેટ ખાંડ બજાર સ્થિત લક્ષ્મીભવનના પહેલા માળે દરોડો પાડીને દારૂના જથ્થા સાથે કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન 62 વર્ષીય વિજય મોદી અને કરણ પાનવાલા ને દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 645 નાની-મોટી દારૂની બોટલ કબજે કરી છે. તપાસમાં વિજય મોદી વોર્ડ નંબર 12 ભાજપના મહામંત્રી હોવાનું સામે આવ્યું છે.
બાપ-દીકરાની જોડીનો દારૂનો વેપલો
આ ઘટનામાં ભાજપ નેતા બાપ-દીકરાની જોડી સુરતમાં દારૂનો વેપલો ચલાવતી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે રાજ મોદી, કે જે વિજય મોદીનો દીકરો છે, તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યો છે. રાજ સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે અને પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
