સુરત શહેરમાં બ્રાન્ડેડ અને લક્ઝરી પ્રોડક્ટ્સના નામે નકલી માલ પધરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા તત્વો સામે લસકાણા પોલીસે લાલ આંખ કરી છે. લસકાણા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દરોડો પાડીને પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ GUCCI FLORA કંપનીના નામે ધમધમતા ડુપ્લિકેટ પરફ્યુમના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી રૂપિયા 45,990ની કિંમતના નકલી પરફ્યુમના જથ્થા સાથે સંદીપભાઈ બેલડીયા નામના વેપારીને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્કાઇવ્યુ બિઝનેસ હોરીઝોન કોમ્પ્લેક્સમાં પોલીસનો સપાટો
લસકાણા પોલીસને મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી.લસકાણા વિસ્તારમાં આવેલા સ્કાઇવ્યુ બિઝનેસ હોરીઝોન કોમ્પ્લેક્સ ખાતે આવેલી એક દુકાન/ઓફિસમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના નામે બનાવટી પરફ્યુમ વેચાઈ રહ્યા હોવાની માહિતી મળી હતી.લસકાણા પોલીસની ટીમે પંચોને સાથે રાખી ઓચિંતો દરોડો પાડતાં સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના લોગો અને પેકિંગ ધરાવતો પરફ્યુમનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં કંપનીના કોઈ અધિકૃત દસ્તાવેજો કે સેલ્સ લાયસન્સ ન મળતાં સમગ્ર માલ નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું.
બ્રાન્ડેડ સ્ટીકર લગાવી ઊંચા ભાવે વેચવાની મોડસ ઓપરેન્ડી
પોલીસ પૂછપરછમાં આરોપીની છેતરપિંડી આચરવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.ઝડપાયેલો આરોપી સંદીપભાઈ બેલડીયા છેલ્લા લાંબા સમયથી સાદા અને હલકી ગુણવત્તાવાળા પરફ્યુમની બોટલો લાવતો હતો.આ બોટલો પર તે પ્રખ્યાત ઇન્ટરનેશનલ બ્રાન્ડ 'GUCCI FLORA' ના આબેહૂબ સ્ટીકરો અને લેબલ્સ લગાવી દેતો હતો.સામાન્ય ગ્રાહકોને અસલ બ્રાન્ડેડ પ્રોડક્ટ હોવાનું કહીને ઊંચા ભાવે વેચી મોટો આર્થિક નફો મેળવતો હતો.
નેટવર્ક શોધવા તપાસ તેજ
પોલીસે આરોપી સામે કૉપિરાઇટ અને છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.સ્થળ પરથી પોલીસે રૂપિયા 45,990ની કિંમતના ડુપ્લિકેટ પરફ્યુમ બોટલો, સ્ટીકરો અને પેકિંગ મટિરિયલ કબ્જે કર્યા છે.આરોપી આ નકલી લિક્વિડ અને બ્રાન્ડેડ સ્ટીકરો ક્યાંથી પ્રિન્ટ કરાવતો હતો અને સુરત સિવાય અન્ય કયા શહેરોમાં આ ડુપ્લિકેટ માલ સપ્લાય કરતો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.આ કૌભાંડમાં તેની સાથે અન્ય કોઈ પ્રિન્ટિંગ પ્રેસ કે હોલસેલ વેપારીઓ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Vadodara: PM eBus Sewa હેઠળ વધુ 30 ઇલેક્ટ્રિક બસો શરૂ, શહેરમાં દોડશે કુલ 80 ઇ-બસ