સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા અંબેડકરનગરમાં મોડી રાત્રે સગા મોટા ભાઈએ જ નાના ભાઈનું ઢીમ ઢાળી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર અને ખળભળાટ મચી ગયો છે. મોટા ભાઈ અનિલને આશંકા હતી કે તેની પત્ની સાથે નાના ભાઈ સુનિલનું અફેર ચાલી રહ્યું છે.
લિંબાયતમાં સનસનાટીભર્યો હત્યાકાંડ
આ પારિવારિક વિવાદ અને સંશયને કારણે બંને ભાઈઓ વચ્ચે મોડી રાત્રે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે અનિલે આવેશમાં આવીને તીક્ષ્ણ છરી વડે નાના ભાઈ સુનિલના માથા તથા શરીરના અન્ય ભાગો પર જીવલેણ હુમલો કર્યો હતો.અનિલ દ્વારા તીક્ષ્ણ છરીથી અચાનક કરાયેલા હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો સુનિલ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યો હતો. પરંતુ માથાના ભાગે ઊંડો ઘા વાગ્યો હોવાથી અને વધુ પડતું લોહી વહી જવાના કારણે તે થોડે દૂર જઈને ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
