મહિધરપુરા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી MD ડ્રગ્સ સપ્લાય કરનારા મુખ્ય સપ્લાયર સહિત કુલ ત્રણ પેડલરોને દબોચી લીધા છે. અગાઉ 17 નવેમ્બર 2026ના રોજ રૂ.16,680ની કિંમતના 5.56 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડાયેલા અમાન અંસારીની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ સપ્લાયર તરીકે 'બાબુ'નું નામ સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સોહેલ ઉર્ફે બંટી ઉર્ફે બાબુ શેખ સહિત ત્રણ ઝડપાયા
તપાસની કડીઓ જોડીને પોલીસે સોહેલ ઉર્ફે બંટી ઉર્ફે બાબુ શેખ, મોહંમદ અલ્તમસ શેખ અને અલ્ફાઝ ઉર્ફે ભુરીયો ગુંદાલીયાની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી અલ્ફાઝ ઉર્ફે ભુરીયો અગાઉ પણ NDPS એક્ટ અને મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.
