સુરતની નવી સિવિલ હોસ્પિટલના યુવાન ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં આખરે પોલીસે મોટી અને કડક કાર્યવાહી કરી છે. ડો. હર્ષ પંડ્યાને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ નવી સિવિલ હોસ્પિટલના ચાર રેસિડેન્ટ ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં મહિલા ડોક્ટરો સહિત ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુત સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હર્ષના પિતાની ફરિયાદના આધારે પોલીસે નોંધી FIR
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે મૃતક ડો. હર્ષના પિતાએ પહોંચીને પોતાના પુત્રને સતત માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરનારા તબીબો સામે ફરિયાદ નોંધાવી હતી. ખટોદરા પોલીસે પિતાની લેખિત ફરિયાદના આધારે તમામ ચારેય આરોપી તબીબો વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર (FIR) દર્જ કરી છે. તબીબી આલમમાં બનેલી આ સનસનાટીભરી ઘટનાના પગલે સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે.
