સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે રૂ.4.53 કરોડની મસમોટી છેતરપિંડી આચરવાના કેસમાં સુરત ઇકો સેલ (Eco Cell) પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કરોડોના કાપડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રોહિત ઉર્ફે પંકજ ચંદનમલજી તેલપૂરિયાને ઝડપી પાડ્યો છે. આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને મોટી-મોટી લોભામણી વાતો કરી અને શરૂઆતમાં કાપડ ખરીદી સમયસર પેમેન્ટ ચૂકવીને વેપારીઓનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદિત કરી લીધો હતો. વિશ્વાસ જામી ગયા બાદ તેણે કરોડો રૂપિયાનો કાપડનો મોટો જથ્થો ઉધાર ખરીદ્યો હતો.

કાપડ બારોબાર વેચી, દુકાનો બંધ કરી ફરાર થઈ ગયો

વેપારીઓ પાસેથી રૂ.4.53 કરોડનો માલ મેળવી લીધા બાદ આરોપી રોહિત ઉર્ફે પંકજે તે કાપડનો જથ્થો બારોબાર અન્ય લોકોને વેચી માર્યો હતો. ત્યારબાદ પોતાની દુકાનો અને મોબાઈલ ફોન બંધ કરીને તે રાતોરાત ફરાર થઈ ગયો હતો. વેપારીઓએ સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં કોઈ પતો ન લાગતાં અને નાણાં ન મળતાં આખરે ઇકો સેલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે સઘન તપાસ કરી મુખ્ય સૂત્રધારની અટકાયત કરી છે.

પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી

આટલી મોટી રકમની છેતરપિંડીમાં આરોપી સાથે અન્ય કયા-કયા સાગરીતો સામેલ છે અને બારોબાર વેચેલો કરોડનો માલ કોણે ખરીદ્યો હતો તે અંગેના મહત્વના તાર મેળવવા પોલીસે કવાત હાથ ધરી છે. ઇકો સેલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન મુદ્દામાલ રિકવર કરવા તેમજ આંતરરાજ્ય ઠગાઈ રેકેટમાં સામેલ અન્ય નામો પરથી પરદો ઊંચકવા માટે પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો