સુરત શહેરના વરાછા વિસ્તારના ચર્ચિત ધારાસભ્ય કિશોર કાનાણી એટલે કે કુમાર કાનાણી ફરી એકવાર પોતાના આકરા વલણ અને પત્રવ્યવહારને કારણે ચર્ચામાં આવ્યા છે. વરાછામાં ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓના પ્રશ્નોને લઈને ધારાસભ્યએ સુરત મ્યુનિસિપલ કમિશનરને વધુ એક પત્ર લખીને રજૂઆત કરી છે.
હોટફિક્સ મશીનોના કચરાના નિકાલ માટે નીતિ બનાવવાની માગ
ધારાસભ્ય કિશોર કાનાણીએ કમિશનરને લખેલા પત્રમાં જણાવાયું છે કે, સુરતમાં વિવિધ સોસાયટીઓની અંદર ચાલતા ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી એકમોમાં ઉપયોગમાં લેવાતા હોટફિક્સ મશીનોમાંથી મોટા પ્રમાણમાં વેસ્ટ નીકળે છે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનો કચરો સ્વીકારવામાં આવતો નથી, જેના કારણે એકમ માલિકો મુશ્કેલીમાં મુકાયા છે.
જાહેરમાં કચરો ફેંકવા અને સળગાવવાથી વધતું પ્રદૂષણ
સુરત મનપાએ કચરો ન લેતા કેટલાક એકમ ધારકો આ પ્લાસ્ટિક અને કેમિકલયુક્ત હોટફિક્સ વેસ્ટને ખુલ્લામાં જાહેરમાં ફેંકી દે છે અથવા તો સળગાવી દે છે. આ પ્રવૃત્તિના કારણે વિસ્તારમાં ગંભીર પ્રકારનું વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, જે સ્થાનિક રહીશોના આરોગ્ય માટે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે.
‘એકમો સીલ કરી રોજગાર છીનવવો એ યોગ્ય ઉકેલ નથી’
પ્રદૂષણની ફરિયાદો મળતાં સુરત મનપા તંત્ર દ્વારા આવા એકમોને નોટિસો આપી સીલ મારવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કિશોર કાનાણીએ આ પગલાં સામે વિરોધ દર્શાવતા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, એકમોને સીલ મારીને લોકોની રોજીરોટી અને રોજગાર બંધ કરી દેવા તે યોગ્ય કે કાયમી ઉકેલ નથી.

ડોર-ટુ-ડોર અથવા ખાસ વાહનની વ્યવસ્થા કરવા સૂચન
ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સકારાત્મક ઉકેલ લાવવા માટે માગ કરી છે કે, તંત્ર દ્વારા આ વેસ્ટના સુરક્ષિત નિકાલ માટે યોગ્ય નીતિ વિષયક નિર્ણય લેવામાં આવે. સુરત મનપા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમમાં અથવા તો ખાસ વેસ્ટ કલેક્શન વાહનની વ્યવસ્થા કરીને આ કચરો એકત્રિત કરે, જેથી પ્રદૂષણ પણ અટકે અને નાના ઉદ્યોગકારોનો રોજગાર પણ સચવાઈ રહે.
આ પણ વાંચો - Surat: પફ ખાતા ઉંદરનો વીડિયો વાઇરલ થતાં સુરત રેલવે સ્ટેશનનો સ્ટોલ કાયમ માટે બંધ