એશિયાની સૌથી મોટી કાપડ મંડી ધરાવતા સુરત શહેરના રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર અને રિંગ રોડ પર ઠેર-ઠેર કમરતોડ અને 'ડાન્સિંગ' ખાડા પડી જતાં વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. તેમજ બહારના રાજ્યોમાંથી આવતા વેપારીઓ પણ 'સ્માર્ટ સિટી'ના સ્માર્ટ રસ્તાઓની આ વાસ્તવિકતા જોઈ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

બહારના રાજ્યોના વેપારીઓ પણ ચોંકી ઉઠ્યા

રસ્તા પરના મસમોટા ખાડાઓના કારણે વાહનોને નુકસાન પહોંચવાની સાથે સાથે ચાલકોને કમરમાં દુખાવાની ફરિયાદો વધી રહી છે. છેલ્લા બે વર્ષથી યથાવત રહેલી આ સ્થિતિના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે.

ઉધના રોડ નંબર 3 પર પણ મસમોટા ગાબડાં

માર્કેટ વિસ્તાર ઉપરાંત ઉધના રોડ નંબર 3 પર પણ ખાડારાજથી સ્થિતિ અત્યંત ગંભીર બની છે. તંત્ર દ્વારા રસ્તાના કાયમી સમારકામ કરવાને બદલે માત્ર કપચીઓ નાખીને પાટાપિંડી કરી સંતોષ માનવામાં આવી રહ્યો છે. માત્ર કપચી પૂરવાથી વાહનો સ્લિપ થવાનું અને ખાડા વધુ ઊંડા થવાનું જોખમ વધી ગયું છે. મનપા તંત્રની આ ઘોર નિષ્ક્રિયતા જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વાહનચાલકો તંગ આવી ગયા છે.

શું મનપા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે?

સ્થાનિકો અને વાહનચાલકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું મનપા તંત્રને રસ્તાના યોગ્ય સમારકામમાં કોઈ રસ જ નથી અથવા તો તેઓ કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે? સ્માર્ટ સિટીનો દાવો કરતી મનપા દ્વારા તાત્કાલિક ધોરણે આ કમરતોડ ખાડાઓનું યોગ્ય પેચવર્ક અને ડામરકામ કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો