સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પર્યાવરણ જાળવણી અને વૃક્ષારોપણના નામે મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ ચિત્ર બતાવે છે. સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા કોમન પ્લોટોમાં મોટી માત્રામાં વૃક્ષો વાવીને 'ઓક્સિજન પાર્ક' બનાવવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, આ યોજના પાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે માત્ર કાગળ પર અને ફોટોસેશન પૂરતી જ સીમિત રહી હોવાનું સામે આવ્યું છે.
ઓક્સિજન પાર્કના નામે મોટી બેદરકારી
પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વન મહોત્સવ કે પ્રોજેક્ટના પ્રારંભ સમયે મોટા ઉપાડે વૃક્ષારોપણ કરીને ફોટોસેશન કરાવવામાં આવ્યું હતું. પરંતુ ફોટોશૂટ પૂર્ણ થયા બાદ આ છોડવાની માવજત કે પાણી આપવાની કોઈ જ તસદી લેવામાં આવી નહોતી. યોગ્ય માવજત અને સંભાળના અભાવે આ પ્લોટમાં વાવવામાં આવેલા અંદાજે 90 ટકા જેટલા છોડ બળીને ખાખ થઈ ગયા છે અને પ્લોટમાં અત્યારે માત્ર નકામું ઘાસ ઉગી નીકળ્યું છે.
