મહારાષ્ટ્રના રહેવાસી 40 વર્ષીય નિતેશભાઈ ગાવિત કોઈ અકસ્માત કે હુમલાની ઘટનામાં છાતીના ભાગે ગંભીર રીતે ઘવાયેલા હતા. તીક્ષ્ણ છરીનો અડધો ભાગ તેમની છાતીમાં જ ઊંડે સુધી ઘૂસી ગયેલી ગંભીર હાલતમાં તેમને વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુરત નવી સિવિલના તબીબોની કમાલ

સિવિલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા ત્યારે છરીની ધારદાર અણી નિતેશભાઈના ફેફસામાં વાગી જવાથી મોટો કટ પડ્યો હતો. આ છરી હૃદયના અત્યંત સંવેદનશીલ આવરણની નજીક પહોંચી ગઈ હતી, જેના કારણે ભારે પ્રમાણમાં રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો અને યુવક જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો.

તબીબોની ટીમે સફળતાપૂર્વક છરી બહાર કાઢી

ઘટનાની ગંભીરતાને જોઈને સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી અને ટ્રોમા વિભાગના નિષ્ણાત તબીબોની ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર યુવકને ઓપરેશન થિયેટરમાં લીધો હતો. હૃદય અને ફેફસાં જેવા મહત્વના અંગોને વધુ નુકસાન પહોંચાડ્યા વિના છરી બહાર કાઢવી એ તબીબો માટે મોટો પડકાર હતો.

3 કલાક સુધી ચાલી જટિલ સર્જરી

સિવિલના તબીબોની ટીમે સતત 3 કલાક સુધી અત્યંત જટિલ સર્જરી કરી છરીને સફળતાપૂર્વક બહાર કાઢી હતી અને ફેફસાના કટનું ક્ષતિપૂર્તિ સમારકામ કરી રક્તસ્ત્રાવ અટકાવ્યો હતો. સર્જરી બાદ તબીબોની આકરી મહેનત રંગ લાવી હતી. નિતેશભાઈ ગાવિત હવે સંપૂર્ણપણે ભયમુક્ત અને સ્વસ્થ થતાં તબીબોએ તેમને આઈસીયુ (ICU) માંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા છે. તબીબોની આ ભગીરથ કામગીરીને દર્દીના પરિવારે બિરદાવી આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Vadodara: શિનોર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર; સાધલી, ઉતરાજ અને અવાખલમાં વરસ્યો વરસાદ