સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટની સંખ્યામાં ઘટાડો થયો છે. એરપોર્ટ પર ચેન્નાઇ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે. સુરતમાં અન્ય રાજ્યોમાંથી વેપાર માટે આવતા લોકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ફ્લાઈટો બંધ કરી દેવાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. આ ઉપરાંત સુરત-શારજાહ ફ્લાઇટ સપ્તાહમાં એક દિવસ જ ઉડાન ભરશે.
ફ્લાઇટની સંખ્યા ઘટના વેપાર પર પડી શકે છે અસર
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજથી એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરત આવતી ચેન્નઈ, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઈટ બંધ કરવામાં આવી છે. જ્યારે 15 જુલાઈ સુધી સુરત-શારજાહની ફ્લાઈટ અઠવાડિયામાં ફક્ત એક દિવસ ચાલશે.જેને લીધે સુરત એરપોર્ટથી પ્રવાસ કરનારા મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડશે.એક તરફ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી દેશ-વિદેશનો પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા વધી રહી છે. બીજી બાજુ સુરત એરપોર્ટથી મૂવમેન્ટ કરનારી ફ્લાઈટની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
વેપાર માટે આવતા લોકોની સંખ્યામાં સતત વધારો
સુરતમાં અન્ય રાજ્યો અને વિદેશથી આવનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત રોજગાર અને વ્યાપાર અર્થે આવતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. તેવામાં ફ્લાઈટોની મુવમેન્ટ ઘટી જવાથી મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. જ્યારે વેપારીઓને પણ ધંધા રોજગાર અર્થે આવતા જતા ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ હોવાથી નારાજગી જોવા મળી છે.









