સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના સરોલી ગામના રહીશ અમીષ પટેલના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત મામલે મોટો અને ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પ્રાથમિક તબક્કે અકસ્માત ગણાવાયેલી આ ઘટનામાં પરિવારજનો દ્વારા ઘાતક હુમલાના આક્ષેપો કરાતાં સુરત ગ્રામ્ય પોલીસ વડા દ્વારા તપાસ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ને સોંપવામાં આવી હતી. SOG ની સઘન તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના સાદો અકસ્માત નહીં પરંતુ હુમલા અને પીછો કરવાના કારણે સર્જાયેલી કરૂણાંતિકા હતી.
ઓલપાડના અમીષ પટેલ મોત કેસ
પોલીસ તપાસની વિગતો મુજબ, ગત 12 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે અમીષ પટેલ પીંજરત ગામેથી પોતાના ગામ સારોલી તરફ પોતાની કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન દિહેણ ગામે અજાણ્યા ટોળા દ્વારા તેમની કાર રોકીને તોડફોડ કરવામાં આવી હતી અને પેવર બ્લોક વડે જીવલેણ હુમલો કરાયો હતો. આ ઘાતકી હુમલા બાદ પોતાનો જીવ બચાવવા માટે અમીષ પટેલે કાર પુરપાટ ઝડપે ચલાવી હતી, પરંતુ હુમલાખોરોએ કાર અને બાઇક પર તેમનો પીછો કર્યો હતો. આ પીછા દરમિયાન અરિયાણા ગામ નજીક અમીષ પટેલની કાર અકસ્માતગ્રસ્ત થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
