સુરતના પાલ વિસ્તારમાં આર્થિક ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાલ વિસ્તારમાં રહેતા બલબીર સિંહ નામના આઘેડ સાથે વિશાલ જગદીશ ગુપ્તા નામના શખ્સે રૂ. 26.09 લાખની મોટી રકમની છેતરપિંડી આચરી છે. આરોપીએ બલબીર સિંહની પુત્રીને ‘અર્થ ઇકો હીરોઝ પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપનીમાં ભાગીદાર (પાર્ટનર) બનાવવાની લોભામણી લાલચ આપી હતી અને મોટા પાયે નફાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા.
બેંકમાંથી લોન લઈને કરેલું રોકાણ ડૂબ્યું
આરોપી વિશાલ ગુપ્તાની વાતોમાં આવીને ફરિયાદી બલબીર સિંહે પોતાની પુત્રીના ભવિષ્ય માટે બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી. બેંકમાંથી લોન મેળવ્યા બાદ તેમણે આશરે રૂ. 26.09 લાખની રકમ ‘અર્થ ઇકો હીરોઝ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાં રોકાણ પેટે ચૂકવી દીધી હતી. જોકે, રોકાણ કર્યા બાદ આરોપીએ ન તો પુત્રીને કંપનીમાં ભાગીદાર બનાવી કે ન તો કરાર મુજબની કોઈ રકમ કે નફો પરત આપ્યો હતો.
