સુરતના વેલંજા વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને સમાજ માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માતા-પિતાએ પોતાની સગી દીકરીને 'ભૂઈમા' બનાવીને છેલ્લા 10 વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરી હતી. આ ઘટનાનો પર્દાફાશ ગુજરાત જન વિજ્ઞાન જાથા (Jatha) દ્વારા કરવામાં આવ્યો છે.
દિકરીને બનાવ્યું રૂપિયા બનાવવાનું સાધન
વેલંજામાં રહેતા પ્રિયાબેન અને જયસુખભાઈ બરવાળિયા નામના દંપતીએ પોતાની દીકરી, જેની હાલની ઉંમર આશરે 13 વર્ષ છે, તેને માત્ર 3 વર્ષની ઉંમરે 'માતાજીનો અવતાર' જાહેર કરી ધૂણતા શીખવ્યું હતું. દીકરીના નામે ભોળા શ્રદ્ધાળુઓ પાસેથી મોટું આર્થિક વળતર મેળવતા હતા.
ભૂઈમાનું દર્દ સામે આવ્યું
આ સમગ્ર ધતિંગલીલાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ભૂઈમા બનેલી સગીર દીકરીએ જન વિજ્ઞાન જાથા સમક્ષ પોતાનું દર્દ વ્યક્ત કર્યું. ભૂઈ 'જાનુમા'એ જાથાના સભ્યો સામે ત્રણ વખત રડીને કબૂલાત કરી હતી કે, "મારે ધૂણવું નથી, હું માતા-પિતાના દબાણથી આ બધું કરું છું."જ્યારે દીકરીએ ધૂણવાનું બંધ કર્યું, ત્યારે માતા-પિતાએ ક્રોધિત થઈને તેને ઢોર માર માર્યો હતો અને ઈજા પહોંચાડી હતી.
ગંભીર છેતરપિંડીના ખુલાસા
આ દંપતીએ છેલ્લા 10 વર્ષથી આ પ્રકારે છેતરપિંડી આચરી હતી.ભૂઈની માતાએ સાત સંતાનોને જન્મ આપ્યો હતો, જેમાંથી ચાર જીવિત છે. સંતાન દંપતીઓને દીકરી આપવાના બહાને તેમની પાસેથી મોટી રકમ પડાવવામાં આવતી હતી.
જાથાનો સફળ પર્દાફાશ અને પોલીસની કામગીરી
જન વિજ્ઞાન જાથાનો આ 1278 મો સફળ પર્દાફાશ છે. જાથાના હસ્તક્ષેપ અને સમજાવટ બાદ પ્રિયાબેન અને જયસુખભાઈ બરવાળિયાએ સત્તાવાર રીતે તેમની છેતરપિંડીભરી ધતિંગલીલા બંધ કરવાની જાહેરાત કરી છે. જાથાએ આ સમગ્ર મામલે ઉત્કૃષ્ટ અને ત્વરિત કામગીરી કરવા બદલ સુરત પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલૌત સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ઉત્રાણ પોલીસ સ્ટેશનના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે. આ કિસ્સાએ અંધશ્રદ્ધાના નામે બાળકોનું થતું શોષણ અને પૈસા કમાવવા માટે માતા-પિતા દ્વારા જ દીકરીને બનાવવામાં આવતા 'સાધન'ના દૂષણ તરફ ગંભીર ચિંતા ઊભી કરી છે.