સુરત શહેરમાં પડી રહેલા અતિભારે વરસાદને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તમામ શાળાઓ બંધ રાખવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. આમ છતાં, કતારગામ-ડભોલી વિસ્તારમાં આવેલી L.P. સવાણી રિવરસાઇડ શાળાના સંચાલકોએ આ આદેશની અવગણના કરીને મનમાની ચલાવી હતી. અતિભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે પણ શાળા ચાલુ રાખવામાં આવી હતી, જેના કારણે શિક્ષણ વિભાગના નિયમોના ધજીયા ઉડ્યા છે.

હજારો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં

એક તરફ વહીવટી તંત્ર નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ શાળા સંચાલકોએ હજારો માસૂમ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને તેમના જીવ જોખમમાં મુક્યા હતા. આ મનમાની જોઈને રોષે ભરાયેલા એક વાલીએ ધોધમાર વરસાદ વચ્ચે શરૂ શાળાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. વાલીઓએ તીખા સવાલો કર્યા હતા કે "જો આવા ભયાનક વરસાદમાં કોઈ અણબનાવ કે દુર્ઘટના સર્જાશે, તો આ માસૂમ બાળકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે?"

સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ

આ ઘટના સામે આવ્યા બાદ સુરતના વાલીમંડળ અને સ્થાનિકોમાં શાળા પ્રશાસન સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારી અને વહીવટી આદેશોને પડકારીને વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષા સાથે ચેડાં કરનાર શાળા સંચાલકો સામે શિક્ષણ વિભાગ અને DEO કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો