સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરફેર સામે પોલીસે કાર્યવાહી સઘન બનાવી છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે રણજીત ઉર્ફે છોટુ શિવનાથ સરજુ શાહુ નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી તમંચા ઉપરાંત 3 જીવતા કારતૂસ પણ કબજે કર્યા છે.

વતન બિહારથી હથિયાર લાવ્યાની કબૂલાત

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી રણજીત ઉર્ફે છોટુએ કબૂલાત કરી હતી કે તે આ ગેરકાયદેસર હથિયાર પોતાના વતન બિહારથી સુરત લાવ્યો હતો. શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડીને ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવાની આશંકા સામે આવતાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ

પાંડેસરા પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે. આરોપી આ હથિયાર કયા હેતુથી લાવ્યો હતો, કોઈ મોટો ગુનો આચરવાની યોજના હતી કે કેમ, તેમજ અગાઉ પણ કેટલી વખત આવા હથિયારો બિહારથી સુરતમાં લાવ્યો છે તે તમામ દિશાઓમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો