સુરતના કાપડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરતા ભામટાઓ સામે પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં સ્થાનિક કાપડ વેપારીઓ પાસેથી રૂપિયા 12.74 લાખનો કિંમતી કાપડનો જથ્થો ઉધાર ખરીદીને નાણાં ચૂકવ્યા વિના રફુચક્કર થઈ ગયેલા એક સાતિર ઠગ સામે ગુનો નોંધાયો હતો. આરોપી ઉધારમાં ખરીદેલો માલ સદંતર પચાવી પાડીને વેપારીઓને આર્થિક ધોખાધડીનો શિકાર બનાવીને નાસતો-ફરતો થઈ ગયો હતો.
પોલીસે મુંબઈથી આરોપીની કરી ધરપકડ
આ મામલે વેપારીઓની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. આરોપી વિશાલ યાદવ મુંબઈ ખાતે છુપાયેલો હોવાની ચોક્કસ બાતમી મળતાં જ સલાબતપુરા પોલીસની એક વિશેષ ટીમ મુંબઈ ખાતે રવાના થઈ હતી. પોલીસે મુંબઈમાં દરોડો પાડીને સાતિર આરોપી વિશાલ યાદવને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.
