સુરતમાં આગામી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ જાળવી રાખવાના હેતુથી સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવારોના દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે સુરત પોલીસના ઝોન ૨ વિસ્તાર હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા મોડી રાત્રે એકસાથે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રના આ અચાનક પગલાથી અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી ગઈ છે.

196 જેટલા ઇસમોને ઝડપી પાડી અટકાયત કરી

પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સઘન ચેકિંગ અભિયાન દરમિયાન ખાસ કરીને લીંબાયત, સારોલી, ગોડાદરા, ઉધના અને સલાબતપુરા જેવા વિસ્તારના સંવેદનશીલ પોઈન્ટ્સ પર નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી હતી. આ મેગા કોમ્બિંગ દરમિયાન પોલીસે ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને શંકાસ્પદ જણાતા 196 જેટલા ઇસમોને ઝડપી પાડી તેમની અટકાયત કરી હતી.

સુરત પોલીસનું આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે

પોલીસ સ્ટેશને લવાયેલા તમામ અસામાજિક અને ગુનાહિત માનસિકતા ધરાવતા ઇસમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, આગામી તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ આચર્યા વગર શાંતિ જાળવવા અને કાયદા-વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરવા અંગે તમામ આરોપીઓને આકરી ચેતવણી અને સૂચનાઓ આપવામાં આવી હતી. સુરત પોલીસનું આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે.


આ પણ વાંચોઃ Chhota Udepur News : છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં છેલ્લા 17 મહિનાથી વાઘની મૂવમેન્ટ