સુરત શહેરમાં નશીલા પદાર્થો સામે પોલીસે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ મેગા ડ્રાઈવ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 24 કલાકમાં NDPS ના 17 કેસ નોંધીને 22 પેડલરોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 35,88,787 નું ડ્રગ્સ અને ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં ગુજરાતના 10, ઓડિશાના 5, ઉત્તરપ્રદેશના 4, મહારાષ્ટ્રના 2 અને રાજસ્થાનના 1 આરોપીનો સમાવેશ થાય છે.
જહાંગીરપુરામાં પાનના ગલ્લા સાથે ભોજનાલય ચલાવતો શખ્સ ઝડપાયો
આ કાર્યવાહી હેઠળ જહાંગીરપુરા વિસ્તારમાં પાનના ગલ્લા સાથે ભોજનાલય ચલાવતા અંકિતસિંહ ચૌહાણ ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને એવી આશંકા છે કે અંકિતસિંહ દ્વારા ભોજન કે માવા-ગુટકામાં ડ્રગ્સ ભેળવીને લોકોને તેની લત લગાડવામાં આવતી હતી.
