સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી 'કીવા વુમન્સ હોસ્પિટલ'માં એક અત્યંત દુઃખદ અને ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ પ્રસુતા મહિલાનું ડિલિવરીના માત્ર ૩ કલાક બાદ જ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. સીઝેરિયન ઓપરેશન બાદ મહિલાને સતત ભારે રક્તસ્રાવ થઈ રહ્યો હતો, છતાં તબીબો દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે. આ કમનસીબ ઘટનામાં માતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે નવજાત બાળક સદનસીબે સંપૂર્ણ સુરક્ષિત અને જીવિત છે.
ડિલિવરીના ત્રણ કલાક બાદ મહિલાનું મોત!
મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના ડૉ. તરુણ તેજાણી સામે સારવારમાં ઘોર અને ગંભીર બેદરકારી દાખવ્યાના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પરિવારનો દાવો છે કે ઓપરેશન બાદ મહિલાની સ્થિતિ કથળતી હોવા છતાં અને સતત બ્લીડિંગ થતું હોવા છતાં હોસ્પિટલ તંત્ર કે જવાબદાર ડૉક્ટર દ્વારા સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી. સમયસર સારવારના અભાવે જ મહિલાની તબિયત વધુ લથડી હતી અને આખરે તેનો કરૂણ અંત આવ્યો હતો, જેનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
