ગુજરાતમાં રેલવે માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે સુરત રેલવે પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. સુરત રેલવે પોલીસની ટીમ દ્વારા ટ્રેનમાં કરવામાં આવી રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખો રૂપિયાનો બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ટ્રેનના રિઝર્વેશન કોચમાંથી અંદાજે ₹8.55 લાખથી વધુની કિંમતનો 17.115 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવતા રેલવે સ્ટેશન પર ચકચાર મચી ગઈ હતી. આ મામલે સુરત રેલવે પોલીસે અજાણ્યા યુવક વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

રિઝર્વેશન કોચ B6ની સીટ નંબર 57 પાસેથી મળ્યો ગાંજાનો જથ્થો

 સુરત રેલવે પોલીસની ટીમ જ્યારે પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રૂટિન પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી હતી, તે દરમિયાન રિઝર્વેશન કોચ નંબર B6 (બી6) ની સીટ નંબર 57 પાસેથી શંકાસ્પદ હાલતમાં બિનવારસી સામાન મળી આવ્યો હતો.પોલીસે સામાનની તલાશી લેતા તેમાંથી 17.115 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 8.55 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે.

શખ્સ ગાંજાનો જથ્થો મૂકીને ફરાર થઈ ગયો 

ટ્રેનમાં પોલીસ ચેકિંગની ભણક લાગતા જ માદક પદાર્થની હેરાફેરી કરનાર શખ્સ ગાંજાનો જથ્થો સીટ પાસે મૂકીને ફરાર થઈ ગયો હોવાની આશંકા છે. સુરત રેલવે પોલીસે મુદ્દામાલ કબજે કરીને અજાણ્યા યુવક વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે અને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તથા રિઝર્વેશન ચાર્ટના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Explainer : અમેરિકાનું આકાશ અચાનક કેમ થંભી ગયું? એક ખામીથી હજારો ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ, ભારતની હવાઈ વ્યવસ્થા કેટલી સુરક્ષિત?