સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સ્માર્ટ સિટીના નામે કરવામાં આવતી કામગીરી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પીસાઈ રહ્યા હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પનાસ વિસ્તારમાં આવેલા પ્રજ્ઞાનગર આવાસના રહીશો હાલ તંત્રની ઉદાસીનતાના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાલિકાએ આપેલા વચનો પાળવામાં નિષ્ફળ રહેતાં આવાસના સેંકડો પરિવારો ઘરવિહોણા બનીને દર-દર ભટકી રહ્યા છે.

વચનો આપીને પાલિકા તંત્રએ 44 બિલ્ડીંગો તોડી પાડી

વર્ષ 2024માં સુરત પાલિકા તંત્ર દ્વારા પ્રજ્ઞાનગર આવાસની 44 જેટલી જર્જરિત બિલ્ડીંગોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ મકાનો ખાલી કરાવતી વખતે તંત્રના અધિકારીઓ દ્વારા રહીશોને વચન આપવામાં આવ્યું હતું કે, તેમને દર મહિને ઘરભાડું ચૂકવવામાં આવશે અને સમયસર નવું મકાન બનાવીને પઝેશન સોંપી દેવાશે. તંત્રના આ આશ્વાસન પર ભરોસો મૂકીને ગરીબ પરિવારોએ પોતાના આશરા ખાલી કરી દીધા હતા.

બે વર્ષથી સહાય બંધ, પરિવારો આર્થિક ભીંસમાં મૂકાયા

આ ઘટનાને બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, રહીશોનો આક્ષેપ છે કે તેમને હજુ સુધી કોઈ સરકારી સહાય કે ભાડાની રકમ મળી નથી. મોંઘવારીના આ યુગમાં ગરીબ પરિવારો પોતાની મર્યાદિત આવકમાંથી મકાનનું ભાડું ચૂકવીને આર્થિક ભીંસમાં આવી ગયા છે. આ પરિસ્થિતિથી કંટાળીને રહીશોએ પાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી છે અને ટેન્ડર પ્રક્રિયા સત્વરે શરૂ કરી, યોગ્ય બિલ્ડરની નિમણૂક કરીને આવાસનું કામ ઝડપથી પૂરું કરવા આજીજી કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો