સુરત શહેરમાં પાલિકા શાસકોના સ્માર્ટ સિટીના દાવાઓ કાગળ પર જ રહી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શહેરમાં ટેક્સટાઇલ માર્કેટ અને રેલવે સ્ટેશનને જોડતા અતિ વ્યસ્ત એવા રિંગ રોડ પર રસ્તાની બિલકુલ વચ્ચે એક મોટો અને ઊંડો ભુવો પડી ગયો છે. આ માર્ગ પરથી દિવસ-રાત હજારો નાના-મોટા વાહનો, એસટી બસો અને માલવાહક ટેમ્પો પસાર થાય છે, ત્યારે રસ્તાની વચ્ચે પડેલો આ ભુવો કોઈ મોટા અકસ્માતને નોતરે તેવી પૂરેપૂરી શક્યતા ઊભી થઈ છે.

ભુવા પડવાના કારણે ઘરોમાં ભરાયા પાણી, લોકો લાચાર:

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ભુવો પડવાનું મુખ્ય કારણ સુરત મનપા દ્વારા કરવામાં આવેલું નબળું રોડ રોલિંગ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનનું લીકેજ છે. રિંગ રોડની આસપાસની નીચાણવાળી સોસાયટીઓ અને મકાનોમાં આ ભુવાના કારણે ગટર અને વરસાદી પાણી બેક મારી રહ્યા છે. લોકોના ઘરોમાં ગંદુ પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરીને નુકસાન થઈ રહ્યું છે અને સ્થાનિકો ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે. નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે દર વર્ષે મનપા પ્રી-મોન્સૂનના નામે કરોડો રૂપિયાનું બજેટ વાપરે છે, છતાં પહેલા જ વરસાદમાં રસ્તાઓ કેમ બેસી જાય છે?

વાહનચાલકો માટે જોખમી સવારી

રિંગ રોડ પર ભુવો પડવાના કારણે પીક અવર્સ દરમિયાન કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. દ્વિચક્રી વાહનચાલકો ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં આ ભુવાને જોઈ શકતા નથી, જેના કારણે અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. સ્થાનિક રહીશો અને વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર ભુવાની આસપાસ આડશ (બેરિકેડ) મૂકીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે, પરંતુ તેનું કાયમી અને મજબૂત પુરાણ કરવામાં આવતું નથી. જનતાએ માંગ કરી છે કે યુદ્ધના ધોરણે રિંગ રોડના આ ભુવાનું રીપેરીંગ કરવામાં આવે અને બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવામાં આવે.

આ પણ વાંચો: Morbi: ટંકારાના હિરાપર પાસે ફેક્ટરીમાંથી કારખાનાના સિક્યોરિટી ગાર્ડ પાસેથી 2 પિસ્તોલ અને 11 જીવતા કારતૂસ જપ્ત