ઔદ્યોગિક નગરી સુરતમાં હાઇવે પર દોડતા કેમિકલ ટેન્કરોમાંથી જોખમી અને મોંઘાદાટ કેમિકલની ચોરી કરતા માફિયાઓ સામે જહાંગીરપુરા પોલીસે લાલ આંખ કરી છે. સાયણ-હજીરા હાઈવે પર ટેન્કરો ઊભા રાખી તેમાંથી અત્યંત જ્વલનશીલ કેમિકલ ચોરી કરવાના સુવ્યવસ્થિત નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ૩ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા બે મોટા કેમિકલ ટેન્કર, ટેમ્પો અને ટુ-વ્હીલર સહિત કુલ રૂપિયા 1.20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા અન્ય 3 સાગરીતો ફરાર થઈ જતાં પોલીસે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સ્ટાયરીન મોનોમર અને કિટોન જેવા જ્વલનશીલ કેમિકલની ચોરી
હજીરા અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી લોડ થઈને નીકળતા ટેન્કરોને સાયણ-હજીરા હાઈવે પર નિર્જન સ્થળો કે હોટલ-ધાબા પાછળ ઊભા રખાવવામાં આવતા હતા.કંપની દ્વારા લગાવેલા સિલ સાથે છેડછાડ કર્યા વગર કે ખાસ વાલ્વ-પાઈપની મદદથી ટેન્કરોમાંથી મોંઘા ભાવના કેમિકલ કાઢી લેવામાં આવતા હતા.આ રેકેટમાં સ્ટાયરીન મોનોમર તેમજ મિથાઇલ આઇસોબ્યુટાઇલ કિટોન (Methyl Isobutyl Ketone) જેવા અત્યંત જ્વલનશીલ અને જોખમી કેમિકલની ચોરી થતી હોવાનો ખુલાસો થયો છે.થોડી પણ ચૂક થાય તો મોટો અગ્નિકાંડ કે વિસ્ફોટ થઈ શકે તેવા કેમિકલને સુરક્ષાના કોઈપણ સાધનો વિના ખુલ્લા કેરબાઓ અને ટેમ્પોમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું.
